ગાંધીનગર (ગુજરાત) [ભારત], 15 નવેમ્બર: નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (NAFCUB) દ્વારા આયોજિત શહેર સહકારી બેન્કસ અને ક્રેડીટ સોસાયટીઝનું ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય પરિષદ “કો-ઓપ કુંભ 2025” નો ભવ્ય ઉદ્દઘાટન 10 નવેમ્બર 2025 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાયો. ભારત સરકારના સહકાર મંત્રાલયના સહયોગથી આયોજિત આ બે દિવસીય પરિષદમાં નીતિનિર્માતાઓ, નિયામકો, સહકારી નેતાઓ અને દેશ-વિદેશના નાણાકીય નિષ્ણાતો એકત્ર થયા હતા. પરિષદનો મુખ્ય વિષય હતો — “ડિજિટલાઈઝિંગ ડ્રિમ્સ – એમ્પાવરિંગ કમ્યુનિટીઝ” (સપનાઓને ડિજિટલ બનાવીને સમાજને સશક્ત બનાવવું).
આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો માનનીય હકાર રાજ્ય મંત્રી શ્રી કિષન પાલ, કર્ણાટક સરકારના કાયદા, સંસદીય કાર્ય અને પર્યટન મંત્રી તેમજ NAFCUB ના માનદ અધ્યક્ષ શ્રી એચ. કે. પટીલ, NAFCUB ના અધ્યક્ષ શ્રી લક્ષ્મી દાસ, નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NUCFDC) ના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્ર મહેતા, અને NAFCUB ના ઉપાધ્યક્ષ શ્રી મિલિંદ કાલે ઉપસ્થિત રહ્યા હતા.
તેમના સંબોધનમાં શ્રી અમિત શાહે ભારતના સહકારી ક્રેડિટ આંદોલનને મજબૂત બનાવવા માટે NAFCUB ના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે શહેર સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીઝની લાંબા ગાળાની અસ્તિત્વ માટે ડિજિટલ પરિવર્તન, સુશાસન અને સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે “સહકાર સે સમૃદ્ધિ”ના સિદ્ધાંત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને જણાવ્યું કે સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
NAFCUB ના અધ્યક્ષ શ્રી લક્ષ્મી દાસે તમામ મહાનુભાવો અને પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કર્યું અને જણાવ્યું કે સહકારી ક્રેડિટ માળખું લાખો નાના ઉદ્યોગસાહસિકો, સ્વરોજગારી વ્યક્તિઓ અને શહેરી પરિવારો માટે જીવનરેખા સમાન છે, જે સસ્તી નાણાકીય સેવાઓ પૂરી પાડીને સર્વસમાવેશી વિકાસને પ્રોત્સાહન આપે છે. ઉદ્ઘાટન સત્રનો આભાર વિધિ NAFCUB ના ઉપાધ્યક્ષ શ્રી મિલિંદ કાલે દ્વારા કરવામાં આવ્યો.
પરિષદ દરમિયાન સહકારી ક્રેડિટ સેક્ટરના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ પર થીમેટિક અને ટેક્નિકલ સત્રો યોજાયા. ચર્ચાઓમાં કોર્પોરેટ ગવર્નન્સ અને પ્રોફેશનલિઝમ, સહકારીઓ વચ્ચે સહકાર, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પરિવર્તન, તેમજ નાણાકીય સમાવેશ અને નિયમનકારી માળખાને ધ્યાનમાં લેવામાં આવ્યા. મહિલા નેતૃત્વ અને યુવા નેતૃત્વ પર વિશેષ સત્રો પણ યોજાયા, જેમાં સહકારી ક્ષેત્રના ભવિષ્ય નિર્માણમાં તેમના વધતા યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું.
ભારત અને વિદેશમાંથી આવેલ પ્રતિષ્ઠિત વક્તાઓ — વર્લ્ડ કાઉન્સિલ ઓફ ક્રેડિટ યુનિયન્સ (WOCCU), ઇન્ટેલેકેપ, માઈક્રોસેવ કન્સલ્ટિંગ અને ગ્રીનસ્ટોન ફાર્મ ક્રેડિટ સર્વિસિસ (યુએસએ) — એ સહકારી નાણાકીય ક્ષેત્રમાં ડિજિટાઈઝેશન, ગવર્નન્સ, નાણાકીય સમાવેશ અને સ્થિરતા વિષે વૈશ્વિક દ્રષ્ટિકોણ રજૂ કર્યા.
11 નવેમ્બર 2025 ના રોજ યોજાયેલા સમાપન સત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી શ્રી સુરેશ પ્રભુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે પરિષદને સમયોચિત પહેલ ગણાવી અને જણાવ્યું કે આ પહેલ ભારતની સહકારી ક્રેડિટ સંસ્થાઓને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને ડિજિટલ નવીનતાઓ સાથે જોડશે. સમાપન સત્રનું આભાર વિધિ NAFCUB ના નિર્દેશક શ્રી ઓ. પી. શર્મા દ્વારા કરવામાં આવ્યું.
આ બે દિવસીય કાર્યક્રમનું સમાપન “દિલ્હી ડિક્લેરેશન 2025 – રોડમેપ ટુ 2030”ને સ્વીકારવાથી થયું, જેમાં સહકારી ક્રેડિટ ક્ષેત્રમાં ગવર્નન્સ, ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન અને સમાનતા માટેનું વિઝન રજૂ કરવામાં આવ્યું. 1400 થી વધુ પ્રતિનિધિઓ — શહેર સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઝ, નિયમનકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠનોમાંથી — આ કાર્યક્રમમાં ભાગ લીધો.“કો-ઓપ કુંભ 2025” એ NAFCUB ની પ્રતિબદ્ધતાને મજબૂત કરી કે તે ભવિષ્ય માટે એક સ્થિતિશીલ, પારદર્શક અને ડિજિટલી સશક્ત સહકારી બેન્કિંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.
ભારતભરમાં લગભગ 1,500 અર્બન કોઓપરેટિવ બેન્ક્સ અને 60,000 ક્રેડિટ સોસાયટીઝ 8 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, જે ભારતની લોકો-કેન્દ્રિત નાણાકીય વ્યવસ્થાનો આધાર છે. “કો-ઓપ કુંભ 2025” એ આ વિશાળ નેટવર્કને “ડિજિટલ ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના લક્ષ્યો સાથે સુસંગત બનાવવાની દિશામાં એક પરિવર્તનશીલ પગલું છે. પરિષદની ચર્ચાઓ અને ભલામણો આગામી દાયકામાં નીતિગત સુધારાઓ, નિયમનકારી માળખા અને સહકારી સહકારના નવા મોડલ્સને દિશા આપશે.
નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિમિટેડ (NAFCUB)દેશભરના અર્બન સહકારી બેન્કિંગ અને ક્રેડિટ ક્ષેત્રનું અગ્રણી રાષ્ટ્રીય સંગઠન છે. તે વ્યાવસાયિકતા, સુશાસન, ટેક્નોલોજીકલ વિકાસ અને સહકારી સંસ્થાઓના હિતોનું સમર્થન કરવા માટે કાર્યરત છે.
