સુરત: ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરના લોકો હવે એડવેન્ચર માં પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્રભાઈ સવાણી સહિત છ સુરતીઓ જયેશભાઈ પટેલ, રાજેશભાઈ મોરડિયા, શૈલેષ સવાણી, શ્રેયાંશ શાહ, સ્મિતલ શાહ અને જ્હાનવી ગોહિલએ સફળતા પૂર્વક પૂર્ણ કરી સુરત અને ગુજરાતનું ગૌવર વધાર્યું છે.
ધર્મેન્દ્રભાઈ સવાણી એ પોતાની આ સાહસિક સફર વિશે જણાવ્યું હતું કે જીવનમાં સાહસ ખેડવાનું નક્કી કર્યું હતું ત્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ વિશે જાણવા મળ્યું અને આ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કરવાના નિર્ધાર સાથે સફરની શરૂઆત કરી. મારી સાથે સુરતના અન્ય પાંચ અને એક અમદાવાદ અને એક ટ્રેકર પુણેના હતો. અમે સૌ બાયરોડ કાઠમંડુ થી રામાચીપ પહોંચ્યા. અહીથી ફ્લાઇટ થી લુક્લા પહોંચવાનું હતું અને તેનું અંતર માત્ર પંદર મિનિટ જેટલું જ હતું. પરંતુ ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ ને ઉડાન ભરવા કલાકો વિતી ગયા. આખરે કલાકોના ઇન્તજાર પછી અમે ઉડાન ભરી શક્યા અને પંદર મિનિટમાં લુકલા પહોંચ્યા. અહીંથી અમારી બેઝ કેમ્પ સુધીની ટ્રેકિંગ સફર શરૂ થવાની હતી. જેમાં અનેક પડકારો સામે હશે એનો અંદાજ તો પહેલેથી જ હતો. આખરે અમે સૌ એ ટ્રેકિંગ ની શરૂઆત કરી અને દુર્ગમ પહાડી રસ્તાઓ પર આગળ વધતા ગયા. રોજ દસ થી 12 કલાકના ટ્રેકિંગમાં માંડ 10 થી 12 કિમી જેટલું અંતર પૂર્ણ કરી શકતા હતા. આટલું અંતર કાપ્યા પછી રાત્રિ રોકાણ કરવું અને સવાર પડે એટલે ફરી માર્ગ પકડવો આમ કુલ નવ દિવસ અનેક પડકારો વચ્ચે અમે 5364 મીટર અંતર પૂર્ણ કરી એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા અને જીવનમાં એક મોટુ સાહસ ખેડવાનું કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ કર્યું. પોતાના અનુભવ વિશે ધર્મેન્દ્રભાઈ સવાણી એ જાણવું હતું કે એમ લાગતું કે દોડીને આટલું અંતર પૂર્ણ કરી લઈશું પણ થોડુક ચાલીએ એટલે શ્વાસ ફૂલી જતો, ઊંચા ઊંચા ડુંગરો ચડતા ઠંડીમાં પણ પરસેવો છૂટી જતો. એટલું જ નહીં પણ બેઝ કેમ્પ થી પણ આગળ અમે કાલાપત્થરની 5550 મીટર ની સફર પૂર્ણ કરી. આ સફરનો અનુભવ મારા અને મારા સાથીઓ માટે જીવનનો એક સાહસિક અને અવિસ્મરણીય અનુભવ હતો અને રહેશે.
-છ મહિના પહેલા પ્રેક્ટિસ કરી
ધર્મેન્દ્રભાઈ સવાણી એ જણાવ્યું કે એવરેસ્ટ બેઝ કેમ્પની સફર પૂર્ણ કરવાનું લક્ષ્ય તો નિર્ધારિત કરી લીધું પણ તે પૂર્ણ કરવું આસાન નહતું. આ માટે અમે છ મહિના પહેલા પ્રેક્ટિસ શરૂ કરી હતી. રોજ 200 માળ પર ચઢતા અને ઉતરતા હતા સાથે જ સફર દરમિયાન ડાયટ નું પણ મહત્વ હોય છે એટલે એ મુજબનું જ ખાનપાન આરોગ્યું અને આકરી પ્રેક્ટિસના પરિણામે આ સાહસિક કાર્ય ને સફળતા પૂર્વક પૂર્ણ કરી શક્યા